‘ફક્ત મહિલાઓ માટે’ બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’

સુપરહિટ ગુજરાતી ફિલ્મો ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘૩ એક્કા’ ની જ્વલંત સફળતા બાદ નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા એમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ની આજે જાહેરાત કરવામાં આવી. આ ફિલ્મને જય બોડસ અને પાર્થ ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ આ વર્ષમાં જન્માષ્ટમીએ રીલીઝ કરવાનું આયોજન છે.

FAKT PURUSHO MAATE announcement

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

‘ફક્ત મહિલાઓ માટે‘ ફિલ્મને મળ્યો પ્રચંડ પ્રતિસાદ

ગયા શુક્રવારે ૧૯ ઓગસ્ટે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે‘ ને સિનેમાઘરોમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે પ્રથમ પાંચ દિવસમાં જ ૫ કરોડ ૭૩ લાખનું કલેક્શન કર્યું છે, જે દર્શાવે છે કે લોકોને ફિલ્મ ખૂબ પસંદ પડી છે અને માઉથ પબ્લીસીટીથી હજુ વધુ ને વધુ લોકો આ ફિલ્મને જોશે.

યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર તેમજ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન મહેમાન ભૂમિકામાં આ ફિલ્મમાં જોવા મળે છે. યશ સોનીના મિત્રના પાત્રમાં દીપ વૈદ્ય જમાવટ કરે છે. ફિલ્મના લેખક, દિગ્દર્શક છે જય બોડસ તથા નિર્માતા છે આનંદ પંડિત અને વૈશલ શાહ. સંગીત કેદાર ભાર્ગવનું છે. મૂળ ૨૦૦૦ ની સાલમાં રિલીઝ થયેલી ઈંગ્લીશ ફિલ્મ ‘વોટ વિમેન વોન્ટ‘ પરથી મરાઠીમાં ‘અગ બાઈ અરેચ્ચા‘ નામથી ફિલ્મ બની અને એ જ આઈડિયા પરથી આ ફિલ્મ ગુજરાતીમાં ‘ફક્ત મહિલાઓ માટે‘ બનેલ છે. મૂળ વિચાર સિવાય આખી વાર્તા નવેસરથી લખાયેલી છે. ઈંગ્લીશ ફિલ્મમાં નાયકને ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી એનામાં મહિલાઓના વિચાર જાણવાની શક્તિ આવી જાય છે અને અહી માતાજીના આશીર્વાદથી નાયકને એ શક્તિ પ્રાપ્ત થાય છે. બાકીની વાર્તા અને માવજત સંપૂર્ણ અલગ છે.

Yash Soni & Amitabh Bachchan in Fakt Mahilao Maate

ફિલ્મ શરૂઆતથી જ પકડ જમાવે છે અને સતત હસાવતા રમુજી પ્રસંગો સાથે સહેજ પણ કંટાળો આવ્યા વિના અંતમાં એક સારો સંદેશો આપીને ફિલ્મ પૂરી થઈ જાય છે. બિનજરૂરી ગીતો ઉમેરીને ફિલ્મની ગતિ અવરોધવાનો પ્રયાસ કરવામાં નથી આવ્યો એ સારી વાત છે. દરેક કલાકારોનો અભિનય લાજવાબ છે. હાલમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં નાડીદોષ, રાડો બાદ યશ સોનીની આ ઉપરાઉપરી ત્રીજી ફિલ્મ છે. મજાની વાત એ છે કે સંપૂર્ણ પરિવાર સાથે બિન્દાસ્ત આ ફિલ્મને માણી શકાય એમ છે અને દરેક વર્ગને આ ફિલ્મ ચોક્કસથી પસંદ પડશે.

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની અપડેટ માટે અત્યારે જ અમને ફોલો કરો