વાંઢા વિલાસ નો વાંધો

ગુજરાતી ફિલ્મ ‘વાંઢા વિલાસ’ જોઇને અમુક વિવેચકો ફિલ્મની ભાષા સામે કાગારોળ કરવા લાગ્યા છે. ગુજરાતી ભાષા, સંસ્કૃતિની દુહાઇ દેતા વિવેચકોને જાણ થાય કે સેન્સર બોર્ડના નિયમોમાં સાફ લખ્યું છે કે U/A સર્ટીફીકેટ ધરાવતી ફિલ્મમાં એડલ્ટ કન્ટેન્ટ હોય. જો તમે U/A સર્ટીફાઇડ ફિલ્મ જોવા જાઓ અને સ્વચ્છ સાફસુથરી ફિલ્મની અપેક્ષા રાખો તો કેમ ચાલે ? એમાં ફિલ્મમેકરનો શું દોષ ? શું મેકર્સે ક્યાંય દર્શકો સાથે છેતરપીંડી કરી છે ? શું ‘વાંઢા વિલાસ’ ના મેકર્સે એમ ક્યાંય કહ્યું છે કે આ સાફસુથરી પારીવારીક ફિલ્મ છે ? શું તમે ફિલ્મ જોવા ગયા એ પહેલા તમને ફિલ્મનું નામ ‘વાંઢા વિલાસ’ છે એ ખબર ન હતી ને એમ ને એમ ફિલ્મમાં ઘુસી ગયા તા કે શું ? ફિલ્મ જોવા ગયા પહેલા તમે ફિલ્મનું ટ્રેલર જોયું ન હતું ? ટ્રેલર પરથી સાફ ખબર પડી જ જાય કે આ એડલ્ટ ફિલ્મ છે અને ક્યા પ્રકારના ડાયલોગ્ઝ છે ? શું તમે આ બધાથી અજાણ હતા ? જો તમે ફિલ્મ વિવેચક હો તો ના તો તમે ફિલ્મના મેકીંગ કે બીજા કોઇ પાસા વિષે કેમ ના લખ્યું અને ભાષા અને સંસ્કૃતિ પર જ લખ્યું ?

આપણે માનીએ છીએ કે ફિલ્મમેકર્સની નૈતિક જવાબદારી હોય કે એમણે સાફસુથરી ફિલ્મો જ બનાવવી જોઇએ, પણ એ એમના પર છે કે એમણે કેવી ફિલ્મ બનાવવી છે અને આપણા પર છે કે જોવી કે ન જોવી અને એ જ તો ફરક છે રાજકુમાર હિરાણી, સંજય લીલા ભણસાલી, વિશાલ ભારદ્વાજ, અનુરાગ કશ્યપ, વિક્રમ ભટ્ટ અને બીજા ફિલ્મમેકર્સ વચ્ચે. બોલીવુડમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થાય જ છે. અનુરાગ કશ્યપની ગેંગ્ઝ ઓફ વાસેપુર જોઇને ક્યા વિવેચકે ભાષા બચાઓ પર લેખ લખ્યો હતો ? ફિલ્મમેકર્સે ફિલ્મ બનાવી છે તો એમને ખબર જ હોય ને કે એમણે ક્યા ઝોનરની ફિલ્મ બનાવી છે અને એમની ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે ? એકબાજુ આપણે એમ કહીએ છીએ કે ગુજરાતી ફિલ્મમેકર્સે અલગ વિષયો અને અલગ ઝોનરની ફિલ્મો બનાવવી જોઇએ અને પછી વાંધા કાઢીએ છીએ, પણ પ્રયત્ન કરશું તો સારી ફિલ્મ બનશે ને ! ગુજરાતી ફિલ્મમેકર્સ હવે નવા વિષયો અને નવા ઝોનરમાં હાથ અજમાવે છે તો બની શકે કે ભવિષ્યમાં U/A નહીં પણ A સર્ટિફિકેટ ધરાવતી ગુજરાતી ફિલ્મો પણ આવે, તો ફિલ્મનું નામ, ટ્રેલર જોઇને જ ફિલ્મ જોવા જવું.

‘વાંઢા વિલાસ’ નું ટ્રેલર લોન્ચ થયું

દ્વીઅર્થી સંવાદો ધરાવતી ચિન્મય પરમાર દિગ્દર્શીત ગુજરાતી ફિલ્મ ‘વાંઢા વિલાસ’ નું ટ્રેલર લોન્ચ થયું. ‘છેલ્લો દિવસ’ અને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ જેવી સુપરહીટ ફિલ્મોના નિર્માતા વૈશલ શાહે આયુષ મહેતા સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે જ્યારે આ બંને ફિલ્મોના દિગ્દર્શક કૃષ્ણદેવ યાગ્નીકે લેખનની જવાબદારી લીધી છે અને ચિન્મય પરમારે દિગ્દર્શન કર્યું છે. જુઓ વાંઢા વિલાસનું ટ્રેલર

આવી ગયું છે ‘વાંઢા વિલાસ’ નું ટીઝર

દુનિયાથી પડે છે જેને રોજ કોઈક વાંધા

વર્તનમાં વિચિત્ર, ને જેની વાતોમાં સાંધા

આવે છે એવા દુનિયાના સૌથી અઘરા વાંઢા

આ રહ્યું ગુજરાતી ફિલ્મ ‘વાંઢા વિલાસ’ નું ટીઝર . આ ફિલ્મના લેખક છે કૃષ્ણદેવ યાગ્નીક અને દિગ્દર્શક છે ચિન્મય પરમાર.

ગુજરાતી ફિલ્મ ‘વાંઢા વિલાસ’ નો ફર્સ્ટ લુક

છેલ્લો દિવસ અને કરસનદાસ પે એન્ડ યુઝની સફળતા પછી વૈશલ શાહ અને કૃષ્ણદેવ યાગ્નીક ની જોડી લઇને આવી રહ્યા છે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાંઢા વિલાસ’ જેનો ફર્સ્ટ લુક હાલમાં જ લોન્ચ થયો. આ ફિલ્મના રાઇટર કૃષ્ણદેવ જ છે, પણ ડિરેક્ટ કરી છે એમના એસોસિએટ રહી ચુકેલા ચિન્મય પરમારે. આ રહ્યો ફિલ્મનો ફર્સ્ટ લુક