વિશ્વ રંગભૂમિ દિવસ : ગુજરાતી થિયેટર





આજે વિશ્વ રંગભૂમિ દિવસ (વર્લ્ડ થિએટર ડે) છે અને આપ સહુને વિશ્વ રંગભૂમિ દિવસની શુભેચ્છાઓ. આજે આપણે ગુજરાતી રંગભૂમિ વિશે થોડી વાત કરશું. થિયેટર એ માત્ર મનોરંજન નથી, પણ તે પોતાની વાત એક અથવા અલગ અલગ પાત્રો થકી લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ પણ છે. થિયેટર મનોરંજનની સાથે સાથે સમાજ પર ઊંડી અસર છોડે છે. નાટકમાં કલાકારો ૬૫૦-૭૦૦ પ્રેક્ષકો સામે લાઇવ પર્ફોર્મ કરે છે. કલાકાર અને પ્રેક્ષક માટે આ એક અલગ જ અનુભૂતિ છે, જે ફિલ્મોથી અલગ હોય છે અને કલાકારોને તુરંત રિએક્શન મળે છે. ઘણા બધા નાટકોના ગુજરાત, મુંબઈ ઉપરાંત વિદેશોમાં પણ શો યોજાય છે. નાટકોના માધ્યમ દ્વારા મનોરંજન સાથે સમાજને પ્રેરિત અને જાગૃત પણ કરવામાં આવે છે.

દરેક નાટક માટે ફિલ્મોની જેમ જ લેખકો, દિગ્દર્શકો, કલાકારો, સેટ ડિઝાઇન, પ્રોડક્શન સહિતના ઘણા લોકોના સામુહિક પ્રયાસોથી શક્ય બને છે અને તેઓ સ્ટેજ પર વાર્તાઓને જીવંત રાખવા અથાગ પરિશ્રમ કરતા હોય છે. બ્રિટિશરાજ દરમ્યાન બ્રિટિશરો એમના મનોરંજન માટે ફોરેન ઓપેરા અને થિયેટર ગ્રુપને આમંત્રિત કરતા. ૧૮૫૦ માં દલપતરામ દ્વારા સૌપ્રથમ ગુજરાતી નાટક ‘લક્ષ્મી’ લખાયેલું. ૧૮૫૨ માં પારસી થિયેટર ગ્રુપ દ્વારા સુરતમાં શેક્સપિયરનું નાટક ગુજરાતીમાં રજૂ કરવામાં આવેલું. ૨૯ ઓક્ટોબર ૧૮૫૩ માં પારસી નાટક મંડળી દ્વારા રજૂ કરાયેલા નાટક ‘રૂસ્તમ સોહરાબ’ થી થઈ હતી. ગુજરાતીમાં નાટકનો જ એક અલગ પ્રકાર ‘ભવાઈ’ ની શરૂઆત થઈ.

ગુજરાતી નાટકોમાં સૌથી વધુ નાટકો કોમેડી જોવા મળે છે અને લોકો તેને પસંદ પણ કરે છે. કોમેડી સિવાય, સંબંધો આધારિત નાટકો, માયથોજીકલ અને હવે એક્સપેરિમેન્ટલ નાટકો પણ ભજવાય છે અને લોકો હોંશે હોંશે માણે પણ છે. અમદાવાદ ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ, ધ ગુજરાતી ડ્રામા ફેસ્ટિવલ જેવા ફેસ્ટિવલ્સ પણ ગુજરાતી નાટકો માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડી રહ્યા છે.

ગુજરાતી નાટકોને સફળ બનાવવામાં અલગ અલગ સોશ્યલ ગ્રુપ, મેમ્બરશિપ ક્લબ જેવી સંસ્થાઓનો પણ નોંધપાત્ર ફાળો છે, જે મેમ્બરશિપ લઇ નિયમિત નાટકોના આયોજન કરે છે. આનાથી નાટકોને વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો મળે છે અને મેમ્બરોને સારા સારા નાટકો જોવા મળતા હોય છે. ફિલ્મો કરતા નાટકોમાં ઊંધું હોય છે. ફિલ્મોમાં સ્ક્રિનથી નજીક સીટના દર ઓછા હોય છે અને પાછળની સીટના દર વધારે હોય છે, જ્યારે નાટકોમાં સ્ટેજથી નજીકની સીટના દર વધુ હોય છે અને પાછળ જતા ઓછા થતાં જાય છે.

ગુજરાતી રંગભૂમિ વિશે બીજી વાતો ફરી ક્યારેક કરશું. ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજન અપડેટ્સ મેળવવા માટે અત્યારે જ અમને ફોલો કરી લો.